Ration Card News: દેશમાં રેશનકાર્ડધારકો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ મોટું ડેટા વેરીફિકેશન અભિયાન શરૂ કર્યું છે, જેના પરિણામે છેલ્લા થોડા મહિનાઓમાં આશરે 2.25 કરોડ લોકોના નામ રેશન યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
સરકારના જણાવ્યા અનુસાર, આ તમામ લાભાર્થીઓ પાત્ર ન હોવા છતાં મફત અનાજ લઈ રહ્યા હતા, જે અસલ ગરીબોના હક્ક પર અસર કરી રહ્યું હતું.
શા માટે નામ ડિલીટ કરવામાં આવ્યા ?
તાજેતરમાં કરવામાં આવેલી ચકાસણીમાં ખાદ્ય મંત્રાલયે “આધાર-સીડિંગ”, આવક ચકાસણી અને લાભાર્થીઓની વિગતોની પુનઃતપાસ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે અનેક એવા લોકો મફત રાશન લઈ રહ્યા હતા, જેમની આર્થિક સ્થિતિ સરકારની પાત્રતા માગણી કરતાં ઘણી સારી હતી.
આ યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોનેમાંથી કેટલાક નીચે મુજબ છે:
મોટી કંપનીઓમાં ડિરેક્ટર પદ પર કાર્યરત વ્યક્તિ
ઓચાર ચક્કાવાળી ગાડીઓ ધરાવતા પરિવારો
ટેક્સપેયર અને ઊંચી આવક ધરાવતા લોકો
મૃત વ્યક્તિઓ, જેઓના નામે રાશન ઉપાડવામાં આવી રહ્યું હતું
સરકારનું કહેવું છે કે આવા હજારો લોકો ગરીબો માટે રાખવામાં આવેલા 5 કિલો મફત અનાજનો અયોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા હતા. તેથી તેમની એન્ટ્રી તાત્કાલિક રદ્દ કરવામાં આવી છે.
નવા પાત્ર લાભાર્થીઓને મળશે તક
વિસ્તારોમાં હજારો પરિવારો હજુ પણ યોગ્ય પાત્રતા હોવા છતાં લાભ મેળવી રહ્યાં નથી. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે નામ ડિલીટ થવાથી બનતી જગ્યાઓમાં હવે નવા અને પાત્ર પરિવારોને સામેલ કરવામાં આવશે. રાજ્ય સરકારોને નવા લાભાર્થીઓ ઉમેરવાની પ્રક્રિયા ઝડપી કરવા સૂચના આપવામાં આવી છે.
NFSA શું છે અને કોને મળે છે લાભ ?
વર્ષ 2013માં લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (NFSA) અંતર્ગત દેશની ગ્રામ્ય વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% લોકોને સબસિડીવાળા અનાજનો લાભ મળે છે. આ યોજના હેઠળ બે મુખ્ય શ્રેણીઓ છે:
1. AAY (Antyodaya Anna Yojana) – સૌથી ગરીબ પરિવારોને દર મહિને કુલ 35 કિલો અનાજ આપવામાં આવે છે.
2. PHH (Priority Household) – દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો અનાજ મળે છે.
દેશમાં હાલમાં 19 કરોડથી વધુ રેશનકાર્ડધારકો છે અને લગભગ 5 લાખ FPS દુકાનો દ્વારા અનાજનું વિતરણ થાય છે.
તમારું નામ કાપી દેવાયું છે કે નહીં ?
જો તમે NFSA હેઠળ મફત અનાજ લેતા હો, તો તમારી પાત્રતા જાળવવી જરૂરી છે. તમારું નામ યાદીમાંથી દૂર થયું છે કે નહીં તે જાણવા માટે તમે તમારા રાજ્યની અધિકૃત રેશન પોર્ટલ પર જઈને વિસ્તૃત Beneficiary List ચેક કરી શકો છો.